બડગામ પોલીસની મોટી કાર્યવાહી , ચાલતી હતી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ
જમ્મુ અને કાશ્મીર પોલીસે બુધવારે (પહેલી ઓક્ટોબર) આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી શરૂ કરાઈ હતી. પોલીસે બડગામ જિલ્લાના હૈદરપોરામાં પ્રતિબંધિત તહરીક-એ-હુર્રિયતના મુખ્યાલયને કબજે કર્યું. આ સંગઠનની સ્થાપના 2004માં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન વર્ષોથી કાશ્મીરમાં ખાસ કરીને ખીણમાં અલગતાવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું હોવાના અહેવાલ છે. ગિલાનીનું 2021માં અવસાન થયું.

UAPA હેઠળ કાર્યવાહી
મળતા અહેવાલો અનુસાર, હૈદરપોરામાં રહેમતાબાદ ઓફિસને ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 (UAPA)ની કલમ 25 હેઠળ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી મિલકતમાં 1 કનાલ 1 મરલા જમીન (ઠાસરા નંબર 946, ખાટા નંબર 306) પર ત્રણ માળની ઇમારતનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ પ્રતિબંધિત સંગઠનના કાર્યાલય તરીકે થઈ રહ્યો હતો. આ કાર્યવાહી UAPA હેઠળ બડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 08/2024 સાથે જોડાયેલી છે.
કેન્દ્ર સરકારે 2023માં પ્રતિબંધ લાદ્યા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં કેન્દ્ર સરકારે તહરીક-એ-હુર્રિયતને ગેરકાયદે સંગઠન જાહેર કર્યું હતું અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હુર્રિયત કોન્ફરન્સના ઘટક પીપલ્સ કોન્ફરન્સ, જે પ્રોક્સી ઉમેદવારો દ્વારા ચૂંટણીમાં ભાગ લે છે, તેના પર હુર્રિયત કોન્ફરન્સના મૌનને કારણે ગિલાની 2002માં જમાત-એ-ઇસ્લામી જમ્મુ અને કાશ્મીરથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે 2004માં પોતાનું અલગ સંગઠન, તહરીક-એ-હુર્રિયત કાશ્મીર બનાવ્યું. આના કારણે હુર્રિયત કોન્ફરન્સમાં ભાગલા પડ્યા.
કાર્યવાહી આગળ વધારવાના સંકેતો
બડગામ પોલીસના જણાવ્યાનુસાર એકત્રિત પુરાવાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે . સક્ષમ અધિકારીની યોગ્ય મંજૂરી બાદ કાનૂની જોગવાઈઓ અનુસાર મિલકત જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી ગેરકાયદે અને વિધ્વંસક પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી તપાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. ભવિષ્યમાં પણ રાષ્રવીરોધી આવી પ્રવૃત્તિ પર કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેત બડગામ પોલીસે આપ્યા છે.