ભારતીય રેલ્વે દ્વારા 8 ઓક્ટોબર, 2025ના રોજ ઉત્તર પ્રદેશના દુધવા નેશનલ પાર્કમાંથી પસાર થતી 171 કિમી લાંબી મૈલાણી-નાનપારા મીટર ગેજ રેલ્વે લાઇનને હેરિટેજ રૂટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ લાઇનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાની યોજના હતી, પરંતુ ઉત્તર પ્રદેશના વન વિભાગના વિરોધને કારણે તેને મીટર ગેજમાં જ જાળવવામાં આવી છે.

આ લાઇનને બ્રિટિશ શાસન દરમિયાન 130 વર્ષ પહેલાં અનેક તબક્કાઓમાં બનાવવામાં આવી હતી. આમાં 16 સ્ટેશનો અને 71 બ્રિજોનો સમાવેશ થાય છે. મૈલાણી અને નાનપારા જંક્શન બંને ડ્યુઅલ-ગેજ સ્ટેશનો છે, જે મીટર અને બ્રોડ ગેજ બંને ટ્રેનોને સેવા આપે છે. આ લાઇન દુધવા નેશનલ પાર્કમાંથી પસાર થાય છે. જે ભારતના મહત્વપૂર્ણ વન્યજીવન અભયારણ્યોમાંનું એક છે. અહીં બારાસિંહા (swamp deer), વાઘ, હાથી અને ગેંડા જેવા પ્રાણીઓ વસે છે. 2022માં મૈલાણી-બિચિયા મીટર ગેજ લાઇન પર હેરિટેજ ટૂરિસ્ટ કોચ શરૂ કરવામાં આવી હતી, જેમાં વિસ્ટાડોમ કોચનો સમાવેશ થાય છે. આ કોચો એસી અને ગ્લાસ રૂફ સાથે સજ્જ છે, જે પ્રવાસીઓને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવા માટે અનુકૂળ બનાવે છે. હેરિટેજ રૂટ જાહેર થવાથી સ્થાનિક ટૂરિઝમ અને રોજગાર વધશે. મૈલાણી અને દુધવા સ્ટેશનો પર પરંપરાગત રેલ્વે સાધનો અને મીટર ગેજ ડીઝલ એન્જિનોને જાળવવાની યોજના છે. જે ટૂરિઝમ મોડેલને ટકાઉ બનાવશે.દુધવા હેરિટેજ રેલ્વે લાઇન એ માત્ર એક ટ્રેન્સપોર્ટ લાઇન નથી, પરંતુ ભારતના રેલ્વેનો ઇતિહાસમાં પ્રાકૃતિક સૌંદર્ય અને વન્યજીવન સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે.