મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે બનાસ ડેરીના પાયલોટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે બનાસ ડેરી, દિયોદર ખાતેથી પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ સહકાર ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલા પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ રીફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુમૂલ્ય ફાળાને બિરદાવતા જણાવ્યું કે, બનાસ ડેરી અને બનાસ બેન્ક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે.