૨૨ ડિસેમ્બર ૨૦૨૪
# Tags
#Top News #World

હમાસનો વળતો દાવ / ગાઝા પટ્ટી પર ઈઝરાયલે કરેલા હુમલામાં કેટલાક બંધક માર્યા ગયા છે

અમેરિકાનાં નવા ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પ દ્વારા હમાસને આકરી ભાષામાં કહેવામાં આવ્યું હતું કે, પોતે(ટ્રમ્પ) શપથ ગ્રહણ કરે તે પહેલા જેટલા પણ ઇઝરાયલનાં બંધકો તેની(હમાસ) પાસે છે તે પાછા આપો, જો આમ નહીં કરે તો મિડલ ઇસ્ટને ખેદાનમેદાન કરી નાખવામાં આવશે. લાગે છે કે, ટ્રમ્પની ધમકીને હમાસ આડકતરી રીતે ઘોળીને પીગયું. જી હા, ટ્રમ્પ પણ કઈ ન કહી શકે તેવી રીતે હમાસ દ્વારા બંધકો પાછા નહીં આપવાનું કહી દીધું છે.  જોઇએ હવે હમાસની ગુગલીને ટ્રમ્પ શી રીતે રમે છે.

ઉલ્લેખનીય છે કે,  ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં 33 ઈઝરાયેલી બંધકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક અન્ય બંધકો હજુ પણ ગૂમ છે. આ મૃત્યુ ઇઝરાયેલના સૈન્ય હુમલાને કારણે થયા હતા. હમાસે જાહેર કરેલા વીડિયોમાં ઈઝરાયેલના બંધકોને રાખવામાં આવેલા વિસ્તારો પર અગાઉના ઈઝરાયેલી હુમલાઓની તસવીરો દર્શાવવામાં આવી છે. આ હુમલાઓમાં બંધકોના મોત થયા હતા. વીડિયોમાં કેટલાક બંધકોના સંદેશા પણ જોવા મળ્યા હતાં.

હમાસે ચેતવણી આપી છે કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની જીદ અને સતત હુમલાઓથી દુશ્મન બંધકોના મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. “જો આ ઉન્મત્ત યુદ્ધ ચાલુ રહેશે, તો તમે તમારા બંધકોને કાયમ માટે ગુમાવી શકો છો,” હમાસે કહ્યું. સમયસર પગલાં લો.

હમાસની લશ્કરી પાંખ, અલ-કાસમ બ્રિગેડે શનિવારે વધુ એક વીડિયો જાહેર કર્યાના બે દિવસ બાદ આ વીડિયો આવ્યો છે. તે વીડિયોમાં એક ઈઝરાયેલી બંધક, જે યુએસ નાગરિક પણ છે, ગાઝામાં રાખવામાં આવ્યો હતો. એડન એલેક્ઝાન્ડરે કહ્યું કે તેને 420 દિવસથી વધુ સમયથી બંધક બનાવવામાં આવ્યો છે. તેમણે ઇઝરાયેલ સરકાર અને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાઝામાં બાકીના બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

અલગથી, સોમવારે ઈઝરાયેલી સૈન્યએ જાહેરાત કરી કે એક ઇઝરાયેલી-અમેરિકન સૈનિક, જે અગાઉ ગાઝામાં બંધક હોવાનું માનવામાં આવતું હતું, તેને હવે મૃત જાહેર કરવામાં આવ્યું છે. સેનાએ સૈનિકની ઓળખ કેપ્ટન ઓમર મેક્સિમ ન્યુટ્રા (21) તરીકે કરી હતી, જે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઓચિંતા હુમલામાં માર્યા ગયા હતા. તેમનો મૃતદેહ હજુ પણ હમાસ પાસે છે. ઓમરનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો અને તેણે ઈઝરાયેલી આર્મીમાં ટેન્ક પ્લાટૂન કમાન્ડર તરીકે સેવા આપી હતી.

ઈઝરાયેલ 7 ઓક્ટોબર, 2023ના હમાસના હુમલાના જવાબમાં ગાઝામાં મોટા પાયે હુમલા કરી રહ્યું છે. આ હુમલામાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ગાઝા આરોગ્ય એજન્સીઓ અનુસાર, ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 44,466 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. 5 ઓક્ટોબરથી ઉત્તરી ગાઝામાં ઇઝરાયલી હુમલાઓ તીવ્ર થયા બાદ 3,700 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અથવા ગુમ થયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *