રામ એક આયામ અનેક; આવા છે મારા પોતાનાં ‘સ્વયંમ’નાં રામ
રામ એક આયામ અનેક – આવા છે મારા પોતાના સ્વયંમનાં રામ – Ram is one in many dimensions; such is the Ram of my own ‘self’
શું તમે માનો છો કે, રાવણ સામેની લડાઇ માટે શકવર્તિ રાજા દશરથના પુત્ર રામને સેના શોધવી કે બનાવવાની જરૂર પડે ? તો રામે સમાજનાં ઉતિર્ણ વર્ગ, વંચીત, પિડીત, વનવાસીઓને કેમ લાંકા વિજય માટે સાથે લીધા ?
અંગ્રેજીમાં એક કહાવત છે “walk talks louder than talk talks”. જોન મેક્સવેલનું એક ક્વોટેશન દુનિયાને એટલું તે પસંદ આવ્યું કે જોન મેક્સવેલ – “ધ જોન મેક્સવેલ” તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. જોન એટલે આપણો નજીકનો ભૂતકાળ, જ્યારે આ વાક્ય કે ઉક્તિને મૂળમાં જોવામાં આવે તો આ ઉક્તિને ભગવાન શ્રી રામએ સાર્થક કરી છે અને આ ઉક્તિ ખરા અર્થમાં રામનાં જીવન ચરિત્રની ફળ સ્તૃતિ જ કહેવાય. કેમ ભૂલી ગયા કે સમ્રગ ભારત અને સનાતન ધર્મમાં એક ઉક્તિ ખુબ પ્રચલીત છે અને તમામે ક્યાંય ને ક્યાંય તે સાભળી જ હશે કે “ભગવાન શ્રી કૃષ્ણ કહે કે કહ્યું છે તે કરવું અને ભગવાન શ્રી રામ કરે કે કર્યુ છે તે કરવું”.
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ ભારતના શાશ્વત જીવન મૂલ્યોનું શ્રેષ્ઠ પ્રતીક છે. તેમના વ્યક્તિત્વના દરેક કણમાં સમાજ અને સામાજીકતા તેમજ રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા પ્રતિબિંબિત થાય છે. જો તેમના ચારિત્ર્ય ગુણોનું પ્રામાણિક પણે વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટ થશે કે, શ્રી રામ માત્ર આ દેશની બહુમતી વસ્તીના પ્રિય અને આરાધ્ય નથી, પરંતુ ખરા અર્થમાં તેઓ આ દેશના સંસ્કૃતિ પુરૂષ છે. તેમની જીવનકથા માનવ જીવન માટે શ્રેષ્ઠ આચારસંહિતા છે. મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામમાં આસ્થા રાખનારા લોકોની સંખ્યામાં આટલા યુગો વીતી જવા છતાં પણ ઘટાડો થયો નથી કે તેમની આસ્થામાં કોઈ ઘટાડો થયો નથી. જો આના કારણો પર વિચાર કરીએ તો ખબર પડે છે કે શ્રી રામનું જીવન ભારતવાસીઓના હૃદય પર એવી રીતે અંકિત થયું છે કે તેને સમયનો કોઈ કાળ ભૂંસી ન શકે. તેથી જ દેશની જનતા શ્રી રામને ‘મર્યાદા પુરુષોત્તમ’ કહે છે.
વ્યક્તિ જે મર્યાદાઓનું નિરૂપણ કરી પોતે પણ તે મર્યાદામાં ચાલી અને સમાજને તે મર્યાદામાં ચાલવાનો રાહ ચીંધે છે. તે જ ભગવાન રામ લોકોનાં માનસ પર અંકિત છેલ્લ મર્યાદા પુરૂષોત્તમ હતા અને છે. રામ માણસ પણ સંપૂર્ણ હતા અને તેમનું ગૌરવ પણ સંપૂર્ણ હતું. માનવજાત માટે ગૌરવ જાળવવાનો જે આદર્શ તેમણે રજૂ કર્યો તે વિશ્વના ઈતિહાસમાં બીજે ક્યાંય જોવા મળતો નથી. ભગવાન શ્રી રામ લોકોના હીરો છે. તેણે દુષ્ટતાનો અંત લાવ્યો અને પાપીઓના ભયથી પીડિત અને વંચિત લોકોના સમૂહને એકત્ર કરીને જ રામના રાજ્યની સ્થાપના કરી. શ્રી રામે શ્રમજીવીનું પ્રતિનિધિત્વ કર્યું. કેવટથી લઈને શબરી, જામવંત, સુગ્રીવ, ઋષિ-મુનિ બધાની વચ્ચે રહ્યા. સૌની વચ્ચે રહીને માનવીય મૂલ્યોનું નિર્માણ કર્યું. લોકોમાં તે કાળમાં પણ કોઈ ભેદભાવ ન કર્યો. રામ દ્વારા જ સૌપ્રથમ રાજ્યના વિષયોનું ધ્યાન રાખવામાં આવ્યું.
રામે રાવણ રૂપી દુરાચારને ડામવા તે સમયનાં સામાજીક વંચીતો અને પ્રતાળીતોનો સહારો લીધો. શું તમને નથી લાગતું કે જે બાપે યુદ્ધમાં દેવતાઓને પણ મદદ કરી હોય તેવા ચક્રવતિ રાજા દશરથના પુત્રને કોઇ અન્ય રાજા પોતાની સૈન્ય મદદ રાવણ સાથે યુદ્ધ કરવા ન આપે. અથવા જેણે બાલ્ય અવસ્થામાં જ અનેક રાક્ષસો સહિતનાઓ નો સંહાર કરેલો છે તેને યુદ્ધ માટે સૈન્યની જરૂર પણ હોય. પરંતુ રામે પ્રસ્થાપિતોને નહીં પ્રતાળીતોને આગળ કર્યા.
રામચરિત્રમાં રામના પહેલા મિત્ર કોઇ વર્ણાવેલા છે તે કેવટ છે, રામે વંચિત કેવટને ગળે લગાવ્યા. રામે કહેવાતા નીચા કુળના માં શબરીનાં ખેધેલા બોર ખાધા અને પોતાનાં દાબા અંગ સમાન ભાઇ લક્ષ્મણ અને સમાજને મર્મ આપ્યો. રામના પોતાની સેના વનવાસીઓમાંથી બનાવી. રામે જીત પછી પણ રાજ્ય લાલચ અને જીતેલું રાજ્ય પણ કયુ સોનાની લંકા વિભીષણને સોંપી. અહીં પણ એક મર્મ છે. રામે વિભીષણને યુદ્ધ શરૂ થયુ પૂર્વે જ લંકાનાં રાજા જાહેર કરેલા અને રાજ્યા ભિષેક પણ કરેલો એ પણ કદાચ એટલા માટે જ કે રામનો ઉદ્દેશ્ય લંકા પર નહીં લંકા પતિ અને દુરાચારી રાવણ પર વિજય મળવવાનો હતો. તે સમયે યુદ્ધ પછી જીતેલા રાજ્યને લૂંટી અને ત્યાનાં સ્ત્રી સહિતનાં તમામ ધનનો ભોગ વિલાસ કરવો તે પ્રથા હતી. જીતવા જઇ રહ્યા છે તે રાજ્યના રાજા બહાલ કરી રામે પોતાની સેનાને પણ એક અંકુશ પ્રદાન કર્યું.
શ્રી રામના લોકનાયક પાત્રએ જાતિ અને સંપ્રદાયની સાંકડી સીમાઓ ઓળંગી અને જનતાને પ્રેરણા આપી. આ જ કારણ છે કે માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેઓ આદર્શ માણસ તરીકે પૂજનીય છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, નેપાળ, બર્મા વગેરે દેશોમાં પણ શ્રી રામને આદર્શ રાજા તરીકે પૂજવામાં આવે છે. ભગવાન શ્રી રામએ જીવન જીવે ને જીવન કેવી રીતે જીવવું તે શીખવ્યું છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યના મતે ‘રામ’ શબ્દનો સમાનાર્થી ‘રવિ’ છે. આ રવિ શબ્દમાં ‘રા’નો અર્થ પ્રકાશ અને ‘વ’નો અર્થ વિશેષ થાય છે. તેનો અર્થ આપણી અંદરનો શાશ્વત પ્રકાશ છે. પોતાની અંદર પ્રકાશ. રામ આપણા હૃદયનો પ્રકાશ છે. રામ આપણા આત્માનો પ્રકાશ છે. ભગવાન શ્રી રામની ભક્તિ કરવી એટલે આપણી અંદર ‘જ્ઞાનના પ્રકાશનો ઉદય’ છે. જો આપણે આપણી આવનારી પેઢીને ભગવાન શ્રી રામની સકારાત્મકતા, સદાચાર અને આધ્યાત્મિકતાથી ભરી દઈશું તો દુનિયાનું કોઈ વાવાઝોડું આપણને હચમચાવી શકશે નહીં.