#Jamnagar / ઇલેક્ટ્રિક સગડીએ લીધો માતા અને પુત્રનો ભાગ; રસોઈ કરતા લાગ્યો વીજશોક
ઇલેક્ટ્રિક સગડી પર રસોઈ કરતી વેળાએ વીજશોક લાગતા માતા-પુત્રનાં મૃત્યુનો શોક જનક કિસ્સો જામનગર જીલ્લાનાં નાનકડા એવા ગાડુકા ગામમાંથી સામે આવ્યો છે. રસોઇ બનાવતા મહિલાને વીજશોક લાગતાં 13 વર્ષનો પુત્ર માતાને બચાવવા ગયો અને બન્નેનાં મૃત્યુ નિપજ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગરનાં ગાડુકા ગામે વીજશોક લાગતા માતા-પુત્રનાં મૃત્યુ નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ગાડુકા ગામે રહેતા મહિલા ઇલેક્ટ્રિક સગડી ઉપર રસોઈ બનાવતા હતા, ત્યારે માતાને વીજશોક લાગતા તેમનો 13 વર્ષનો પુત્ર માતાને બચાવવા જતાં તે પણ ખાળમુખા વિજ પ્રવાહની ઝપટે ચડી જતાં બન્નેનાં કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવથી નાનકડા એવા ગામ સહિત પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ગાડુકા ગામમાં રહેતી હંસાબા રાઠોડ નામના મહિલા શનિવારે રાત્રે પોતાનાં ઘેર ઇલેક્ટ્રિક સગડીમાં રસોઈ બનાવી રહી હતી દરમિયાન તેને એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બની હતી. જેથી ઘરમાં હાજર તેનો 13 વર્ષનો પુત્ર દિવ્યરાજસિંહ માતાને બચાવવા માટે દોડયો હતો પરંતુ પુત્રને પણ વીજ કરંટ લાગતા માતા-પુત્ર બન્ને બેશુદ્ધ બન્યા હતા. બન્નેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ માતા-પુત્રનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવથી નાના એવાં ગાડુકા ગામમાં માતા-પુત્ર બન્નેનાં મૃત્યુને લઈને ભારે ગમગીની છવાઈ છે. સમગ્ર મામલાની જાણ થતાં પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી. જી. હોસ્પિટલે દોડી ગયો હતો અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.