યુક્રેનનાં મિસાઈલ હુમલાથી પુતિન વિફર્યા; અણુશસ્ત્રનાં ઉપયોગની ધમકીથી વિશ્વ યુદ્ધનાં ભણકારા
અમેરિકા દ્વારા યુક્રેનને અમેરિકન બનાવટની લાંબા અંતરની મિસાઇલ રશિયા સામે ઉપયોગ કરવાની મંજૂરી મળતા જ યુક્રેન દ્વારા રશિયામાં પહેલીવાર લાંબા અંતરની મિસાઈલ ઝીંકવામાં આવી. અમેરિકાનાં રશિયા વિરુદ્ધનાં આ પગલા બાદ પુતિને અમેરિકાને પોતાની હદમાં રહેવાની ચીમકી ઉચ્ચારતા અને જરૂર લાગ્યે પોતે અણુશસ્ત્રનો ઉપયોગ પણ કરી શકે છે તેવી ધમકી આપતા, રશિયાનાં અણુશસ્ત્રનાં ઉપયોગની નીતિનું વિસ્તરણ કર્યું છે. અમેરિકા અને રશિયાનાં આ વલણને કારણે અમેરિકા અને રશિયા આમને-સામને આવી ગયા જેવો ઘાટ જોવામાં આવી રહ્યા છે.
દુનિયા ફરી એક વખત પરમાણુ યુદ્ધના કગાર પર જોવામાં આવી રહી છે. બે મહાસત્તાનાં બે માથા ફરેલા પ્રમુખોનાં કારણે વિશ્વ આખાની ઉંઘ ઉડી ગઈ હોય તેવું વર્તાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયા પાછલા 1000 દિવસથી યુદ્ધમાં એક બીજાને ભરી પીવા મથી રહ્યા છે. રશિયા દ્વારા યુક્રેન પર પહેલી વખત યુદ્ધનો શંખનાદ કરી હુમલો કરવામાં આવ્યો ત્યારે તમામનાં મનમાં એવુ જ હતું કે વેંત એકનું યુક્રેન મિનીટોમાં રશિયા પગમાં પડી જશે. પરંતુ તેનાથી વિપરીત યુક્રેને પોતાનાં સાથી દેશો અને ખાસ કરીને રશિયાનાં દુશ્મન દેશોના સહારે રશિયાને હંફાવી દીધું તેવું કહેવું અતિશયોક્તિ નહીં લાગે.
બસ એજ યુક્રેનનાં કહેવાતા સાથી રાષ્ટ્ર અને રશિયાનાં દુશ્મનોમાંથી એક અમેરિકા દ્વારા હાલમાં જ યુક્રેનને સૈન્ય સહાયમાં અમેરિકી બનાવટની લાંબા ગાળાની મિસાઇલ યુદ્ધમા વાપરવાની મંજૂરી આપવામાં આવી. યુક્રેન દ્વારા આ તકનો ઉપયોગ કરી રશિયા પર ભારે ઘાતક હુમલો કરવામાં આવ્યો અને રશિયામાં ભારે ખાનખરાબી વહેરવામાં આવી. રશિયાનાં પ્રમુખ પુતિન આ મામલે બરોબર ગીનાયા અને અમેરિકાને સભાળીને રહેવાની ચિમકી આપી દેવામાં આવી. સાથે સાથે જરૂર લાગે તો અણુશસ્ત્રોનો પ્રયોગ કરતા પણ ખચકાશે નહીં તેવી ધમકી પણ આપી દીધી. વિશ્વ આખાનાં જીવ તાળવે ચોંટી ગયા છે.
અમેરિકા દ્વારા અચાનક આવી પરવાનગી યુક્રેનને કેમ આપવામાં આવી તે પણ સમજવા જેવી અને રાજકીય કિન્નાખોરીની રસપ્રદ વાત જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાનું પદ છોડતા પહેલા એક મોટો ફેંસલો કરીને યુક્રેનને રશિયાનાં ઠેકાણાઓ ઉપર હુમલા કરવાં લાંબા અંતરની અમેરિકી મિસાઈલોનો ઉપયોગ કરવાનું ટ્રિગર બટન એટલે કે અનુમતિ આપી દીધી હતી. આમંજૂરી મળ્યા બાદ યુક્રેને પહેલીવાર લાંબા અંતરની એટીએસીએમએસ મિસાઈલથી રશિયામાં હુમલો કરી નાખ્યો હતો. આ હુમલો રશિયાનાં બ્રાંસ્ક ક્ષેત્રનાં કરાચેવમાં થયો હતો. અમેરિકાનાં પગલાં પછી યુક્રેને તાબડતોબ કરેલા હુમલાથી ભડકેલા રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસલ મિજાજમાં બતાવતાં નવા પરમાણુ શત્ર સિદ્ધાંતોને મંજૂરી આપી દીધી છે. જેમાં રશિયાની સેના દ્વારા અણુશસ્ત્રનો ઉપયોગ કરવાનાં આધારો અને કારણોને વધુ વ્યાપક બનાવી દેવામાં આવ્યા છે.
પુતિને ન્યૂક્લિઅર ડોક્ટ્રિનની જે ડિક્રી ઉપર હસ્તાક્ષર કર્યા છે તે 19મી નવેમ્બરથી એટલે કે આજથી જ લાગુ થઈ ગઈ છે. જેમાં એવું રેખાંકિત કરવામાં આવ્યું છે કે, રશિયા કોઈ બિનપરમાણુ શત્ર દેશ વિરુદ્ધ અણુ હથિયારોનો ઉપયોગ કરવાનો વિચાર ત્યારે કરશે જ્યારે તેને પરમાણુ શક્તિ દ્વારા સમર્થન પ્રાપ્ત હશે. પરમાણુ શત્ર સંપન્ન દેશની ભાગીદારીમાં બિનપરમાણુ દેશ દ્વારા આક્રમણને સંયુક્ત હુમલો જ માનવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પુતિને યુક્રેન વિરુદ્ધ ત્રણ વર્ષથી ચાલતા યુદ્ધ દરમિયાન અનેકવાર અણુશસ્ત્રનાં પ્રયોગની ધમકીઓ ઉચ્ચારેલી છે. જેનાં હિસાબે પશ્ચિમી દેશો લાંબા વખતથી ચિંતામાં છે. ખુદ પુતિન અને તેમનાં કાર્યાલય ક્રેમલિને અનેકવાર કહ્યું છે કે, હુમલામાં વપરાયેલા હથિયાર આપનાર દેશ પણ યુક્રેન સમાન જ દોષિત ગણાશે અને તેને પણ યુદ્ધની કાર્યવાહી જ માનવામાં આવશે.
આમ હવે એકબાજુ અમેરિકાએ યુક્રેનને રશિયાની અંદર ઉંડે સુધી હુમલા કરવાં માટેનાં હથિયારોનાં ઉપયોગની મંજૂરી આપી દીધી છે તો બીજીબાજુ રશિયાએ પણ પોતાની પરમાણુ નીતિને વધુ તીક્ષ્ણ બનાવી નાખી છે ત્યારે અમેરિકા અને રશિયા આમને-સામને આવી ગયા હોય તેવો ઘાટ ઘડાઈ ગયો છે. જેને પગલે આખી દુનિયામાં દહેશત વ્યાપી ગઈ છે.
#America, #Russia, #Ukraine, #WorldWar, #NuclearWeapons, #War, #JoeBiden, #Putin, #Zaleski,