#Bhavnagar / મહિલા તબીબનો કોહવાયેલો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા ?
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ભાડાના મકાનમાં રહેતા અને ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબિબ તરીકે ફરજ બજાવતા મહિલા ડોક્ટરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા નાનકડા એવા ઘોઘા ગામમાં સોંપો પડી જવા પામ્યો છે. મહિલા ડોક્ટરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ઘોઘા પોલીસને જાણકરવામાં આવતા, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
સામે આવેલી વિગતો પ્રમાણે રાત્રિનાં સમયે ઘોઘા પોલીસને કોલ મળ્યો હતો કે ઘોઘાના સોનીવાડા વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને આ મકાનમાં ભાડે રહેતા મહિલા તબીબ શીતલ પટેલ છેલ્લા બે દિવસથી ક્યાંય જોવા નથી મળી રહ્યા. માહિતીનાં આધારે ઘોઘા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ બી.કે.ગોસ્વામી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ ટીમ દ્વારા મકાનનાં તાળા ખોલી તપાસ કરતા મકાનનાં એક રૂમમાં બેડ પર મહિલા તબીબ શીતલનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહ મળ્યાનું સ્થળ પર પંચનામું કરી મૃતદેહને પેનલ પીએમ માટે સર્ટી હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ મહિલા તબીબ પહેલા ઘોઘા સરકારી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા હતા અને હાલ તેઓની બદલી ભાવનગરની સર ટી હોસ્પિટલમા થઈ હોય તેઓ ભાવનગર નોકરી કરી રહ્યા હતા, જોકે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા મૃતદેહને લઈ તેમની હત્યા થઈ છે કે તેણીએ આત્મહત્યા કરી છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.હાલ પોલીસ મરણજનારની વિગતો મેળવી હત્યા અને આત્મહત્ય બનેં પહેલું પર તપાસ કરી રહી છે.