
ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાની નાગરિકોની ફરિયાદો છે. સુરતના કાપોદ્રામાં નશો કરવા માટે રૂપિયા આપવાની ના પાડતાં 17 વર્ષીય સગીરની ચપ્પાના ઘારી મારીને હત્યા કરી દેવામાં આવતાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના પડઘા એટલા ઉગ્ર પડ્યા છે કે, યુવકની હત્યાના બાદ મહિલાઓએ રણચંડી બનીને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ મહિલાઓએ કાપોદ્રા જ નહીં, સમગ્ર સુરતમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની તેમજ હત્યારાને ફાંસી આપવાની માગ કરી હતી. 400-500 મહિલાના ટોળાએ કાપોદ્રા પોલીસ સ્ટેશને હલ્લાબોલ કરતાં માહોલ તંગ બની ગયો હતો. આ મામલે ડી.સી.પી. આલોક કુમારે જણાવ્યું હતું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે.